ક્ષત્રિય એટલે શું ? (ક્ષત્રિય સમાજ - ક્ષત્રિય સમુહો)

ક્ષત્રિય એટલે શું ?

ક્ષત્રિય ઈતિહાસ  ક્ષત્રિય એટલે શું

ઈતિહાસ તેમજ પુરાણો અને ઉપનીષદો અને એ પહેલાં રામાયણ, મહાભારત વિગેરમાં ક્ષત્રિય શબ્દો ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણ માટે વપરાયેલા જોવા મળે છે.


પ્રસ્તાવના 

      પૂર્વકાળમાં જ્યારે ઈતિહાસ તેમજ પુરાણો અને ઉપનીષદો અને એ પહેલાં રામાયણ, મહાભારત વિગેરમાં ક્ષત્રિય શબ્દો ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણ માટે વપરાયેલા જોવા મળે છે. 
ફક્ત લડાયક પ્રજા માટે ક્ષત્રિય શબ્દ વપરાતો હતો. 
     લગભગ  છેક છઠ્ઠી સુધી પણ ક્ષત્રિય શબ્દો નો ઇતિહાસમાં કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી. પરંતુ છઠ્ઠી સદી પછી છેક નવમી સદીમાં બુદ્ધ ધર્મના અસ્ત પછી જ્યારે શંકરાચાર્ય દ્વારા વૈદિક ધર્મ એટલે કે સનાતન ધર્મની શરૂઆત થઈ ત્યારે જાતિ વ્યવસ્થા અને જાતિ ભેદ વધુ પ્રમાણમાં દ્રઢ થવા લાગ્યો. તેથી દરેક જાતિઓ એ પોત પોતાનાં સમાજની મર્યાદાઓ સિમિત કરી નાખી. આવી સમાજ મર્યાદાઓ ક્ષત્રિય સમાજ ને પણ બંધનકર્તા બની. 
      ક્ષત્રિયોમાં વિભાજન પ્રતિષ્ટિત ઈતિહાસકારોએ ક્ષત્રિય વંશના ઈતિહાસ પર આજ સુધી ઘણું બધું લખ્યું છે. ઈતિહાસકારોએ અનેક પુરાવાઓ દ્વારા પોતાની કલમ ને સત્ય અને નિષ્પક્ષ સાબિત કરી છે. તેમ છતાં આ વિષય આજે પણ અપુર્ણ છે.  ક્ષત્રિય વંશાવળી ,ગોત્ર, પવિત્ર પરંપરાઓ, માન મર્યાદાઓ, વીરતાઓનો જ ઈતિહાસ છે. ક્યારેક એવું લાગે છે કે ઈતિહાસકારોએ ‘ક્ષત્રિય ઈતિહાસ’ પર પોતાની સંકુચિત ભાવનાઓનો વધારે પડતો સમાવેશ કર્યો છે. ભારતનો  દરેક બુદ્ધીશાળી વર્ગ જાણે છે કે, ભારતના ઈતિહાસને જો ક્ષત્રિયોનો ઈતિહાસ કહેવામાં આવેતો એમાં કોઇ અતિશયોક્તિ નથી. કારણ કે ભારતનો ઈતિહાસ ૯૦ ટકા ક્ષત્રિયો દ્વારા  બનાવવામાં આવ્યો છે. જો ઈતિહાસના પાનામાંથી ક્ષત્રિય શબ્દ કાઢી નાખવામાં આવેતો , બાકી બે પુંઠા જ વધે. આમ છતાં પણ ઈતિહાસમાં ક્ષત્રિયોનું સ્થાન નગણ્ય છે.

         હવે દરેક સમાજ મર્યાદિત થતાં લગ્ન વ્યવહારો પણ સિમિત થવા લાગ્યાં. આ સમય દરમ્યાન કેટલાક ક્ષત્રિયોએ ક્ષત્રિયો સિવાયની અન્ય જાતિઓ એટલે કે ક્ષત્રીય જાતિઓ સાથે લગ્ન વ્યવહારો શરુ કર્યા. આમાંના કેટલાક ક્ષત્રિયો પોતાને જેમ પરવડે એમ વ્યવહારો કરવા લાગ્યા. આના કારણે સમસ્ત ક્ષત્રિય સમાજમાં નવી ચર્ચાઓની શરૂઆત થઇ. કેટલાક ક્ષત્રિયોએ બાહ્ય જાતિની કન્યાઓ સાથે લગ્ન વ્યવહારો કરનારા ક્ષત્રિયો સાથેનો વ્યવહાર બંધ કરવાનો નિર્ણય કર્યો. આ નિર્ણય કરવાવાળાઓમાં સૌથી પહેલાં રાજઘરાના વાળા રાજવંશો હતા. ક્ષત્રિયોમાં જેની પાસે રાજસત્તા હતી, એ તમામ રાજવંશીઓ તરીકે ઓળખાતા હતાં. આવા રાજઘરાનાના રાજવંશો એ એક થઈને ફક્ત રાજવંશી ક્ષત્રિયો માટેનો એક અલગ ગોળ બનાવ્યો, અને આ ગોળ કે આ રાજવંશી ક્ષત્રિય સમુહને ૩૬ કુળ એવું નામ આપવામાં આવ્યું. આ ૩૬  રાજવંશી ક્ષત્રિય સમુહમાં ફક્ત રાજઘરાનાના એટલ કે જેઓની પાસે રાજસત્તા હતી એવા જ ક્ષત્રિયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આમ અહીથી ક્ષત્રિય સમાજના બે ભાગલાનું સર્જન થવા પામ્યું. આ ૩૬ કુળ સમુહમાં જે ક્ષત્રિયો પોતાનાથી નીચી જાતિની કન્યાઓ સાથે લગ્ન વ્યવહારો બાંધ્યા તેવાનો આમાં સમાવેશ કરવામાં આવ્યો નહિ.

           રાજપૂતનો ઉદય વૈદિક કાળ, ઉત્તર વૈદિક કાળ, બૌદ્ધ, મૌર્ય, ગુપ્ત અને  હર્ષવર્ધનના શાસન સુધી ભારત દેશની રક્ષક જાતિ  “ક્ષત્રિય” ના નામથી ઓળખાતી હતી, પરંતું હર્ષવર્ધનના શાસનાકાળ  પછી ઈતિહાસમાં એક નાટકિય વળાંક આવે છે અને એક નવું નામ “રાજપૂત” ક્ષત્રિય જાતિ માટે આવે છે. 
           ખરેખર ભારતના મુળનિવાસી ક્ષત્રિયો માટે “રાજપૂત” શબ્દ નહી પણ “રજપૂત” શબ્દ હોવો જોઇએ .કારણકે રાજપૂત શબ્દ પરદેશી આક્રમણકારો લાવેલા છે. પરંતું હર્ષવર્ધનના શાસનકાળ પછી  ભારતમાં એકછત્ર  રાજ્યનો અભાવ થઈ ગયો. રાજ્યોના અડધા ઉપરના શાસકો રજપૂતો જ હતા. આથી આ યુગને  “રજપૂત યુગ” કહેવામાં આવે છે. ઈતિહાસકારોએ ક્ષત્રિય વંશને જ અહીથી રજપૂત  વંશ બનાવી દીધો. અને ક્ષત્રિય વંશને એક નવી જાતિ  બનાવી દીધી. સમય જતાં જે ૩૬ કુલના રાજવંશો નાં પુત્રો થયાં તે રાજપુત્રો તરીકે ઓળખાવા લાગ્યા. આ રાજપુત્રો કે રાજપુત્ર શબ્દનું  અપભ્રંશ થતાં રાજપૂત નામનો નવો શબ્દ બન્યો અને આ શબ્દ લોકબોલીમાં રજપૂત કે રાજપૂત તરેકે કાયમ થયો. આમ જે રાજવંશી ક્ષત્રિયોના રાજપૂત્રો હતા તે પોતાને રાજપૂત માનવા લાગ્યા અને અહીથી ઇતિહાસમાં એક નવો શબ્દ “ રાજપૂત “ નો ઉદય થયો જે આજે પણ લોકબોલીમાં સૌથી વધારે બોલાય છે. 
         પાલવી રજપૂત-પાલવી દરબાર-પાલવી ઠાકોર ઉત્ત્પત્તિ જોકે રાજઘરાનાના  રાજવંશી રાજપૂતો થી અલગ થવાથી ફક્ત રાજપૂતો પાસેજ સત્તા હતી એવું નથી. ૩૬ કુળ રાજવંશી રાજપૂતો સિવાયના ક્ષત્રિયો પાસે પણ રાજ્યો હતા અને સત્તાઓ પણ હતી. અને પોતાને પણ ક્ષત્રિય અને રજપૂત તરીકે ઓલાખાતા આવ્યા છે. આજે આ ક્ષત્રિયોના બારોટો નાં હજારો વર્ષોના ચોપડાઓમાં અને ઇતિહાસના પુસ્તકોમાં આ વાતને સમર્થન મળે છે. આ ક્ષત્રિયોના પૂર્વજોના રાજ્યો તૂટવાથી કે  ભાગવાથી યાતો ભગાડવાથી છેક રાજસ્થાનમાંથી ગુજરાત અને સમગ્ર વિસ્તારમાં સ્થાપિત થતાં રહ્યા અને પોતાને પરવડે એમ વ્યવહારો કરવા લાગ્યા. આથી કેટલાક ક્ષત્રિયો પોતાને પાલવે તે પ્રમાણેના વ્યવહારો કરવાના કારણે પાલવી રજપૂત કે પાલવી દરબાર-પાલવી ઠાકોર તરેકે ઓળખવા લાગ્યા. 
           પોતાના પૂર્વજો વર્ષો પહેલાં કેટલાક નાના મોટા  રજવાડાં કે ગામોના ધણીઓ કે માલિકો હતા. આવા રજવાડાના માલિકો “ઠાકોર સાહેબ” કે “ઠાકોર” તરીકે ઓળખાતા હતાં.  આ પાલવી ઠાકોરો નાં રાજ્યો છેક અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યાં સુધી ટકવા પામ્યાં હતા. 


             એક બીજી હકીકત પ્રમાણે મોગલકાળ અને તે પછીથી સલ્તનત કાળ સમયે કેટલાક ક્ષત્રિયોએ મોગલો અને સલ્તનતના સુલતાનો સાથે લગ્ન વ્યવહારો શરું કર્યા. આવા વ્યવહારો કેટલાક ક્ષત્રિયોને પરવડ્યા કે પાલવ્યા નહિ. અને જે ક્ષત્રિયો ને મોગલો કે સુલતાનો સાથેના લગ્ન વ્યવહારો નાં સ્વીકાર્યા તે ક્ષત્રિયો પોતાને પાલવી રજપૂત કે પાલવી દરબાર-પાલવી ઠાકોર તરીકે ઓળખાવા લાગ્યા. જો કે ગુજરાતમાં જે સુલતાનોએ રાજ્ય કર્યું તે તમામ સુલતાનો મુળે રાજપૂતો હતા. સામ્યતાઓ ૩૬ કુળમાં ના સમાવિષ્ટ થયેલા જે ક્ષત્રિયો હતા એ પોતાને અસલ ક્ષત્રિય તરેકે જ પોતાને ઓળખાવાનું ચાલુ રાખ્યું. આ ક્ષત્રિયો છેક મોગલ સલ્તનત અને તે પછી અંગ્રેજ સરકાર નાં શાસન કાળ સુધી અલગ અલગ જગ્યાએ સૈનિકો તરીકે પોતાની ફરજો નિભાવતાં રહ્યા. આ ક્ષત્રિયો અને ૩૬ કુળમાંના ક્ષત્રિયો પોતાની અટકો એક સરખી ધરાવે છે. બન્ને વચ્ચે લગ્ન વ્યવહારોમાં ઘણી બધી સામ્યતાઓ જોવા મળે છે. જોકે ૩૬ કુળના રાજવંશો પોતાને અન્ય ક્ષત્રિયો કરતાં સૌથી ઊંચા માને છે. જોકે આ રાજવંશોની પાસે પહેલેથીજ સત્તાનો દોર હોવાથી આર્થિક અને શૈક્ષણિક રીતે સક્ષમ રહ્યા છે. અને બાકીના ક્ષત્રિયો આર્થિક અને શૈક્ષણિક રીતે રાજવંશીઓ કરતા ઘણા જ પાછળ છે. વર્ષો સુધી સૈનિકો તરીકેની જવાબદારીઓ નિભાવતાં નિભાવતાં અને એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર થવાથી પોતાના રીત રિવાજો તેનાજ પોતાની કુળદેવી અને ગોત્ર વિગેરેનું વિસ્મરણ થતાં રહેણી કહેણી અને રીત રિવાજોમાં રાજવંશી ક્ષત્રિયો કરતા થોડા ફરક પડ્યા છે. શાખા, ગોત્રો અને કુળદેવ, રાજવંશી રાજપૂતો અને પાલવી ક્ષત્રિયો-દરબારો-ઠાકોર વિગેરેની શાખો, ગોત્રો અને કુળદેવી કે કુળદેવતાઓ એક જ છે. 
પરમાર, ચૌહાણ, ઝાલા, મકવાણા, રાઠોડ, સોલકી, પઢિયાર, જાદવ, જાડેજા, સોઢા, ડોડીયા, ચાવડા, ગોહિલ,રાણા,બારડ,વાઘેલા,સિસોદિયા વિગેરે શાખાઓ તો રાજપૂતો અને અન્ય ક્ષત્રિયોમાં લગભગ એકજ પ્રકારની છે. એજ પ્રમાણે ગોત્ર અને કુળદેવતા કે કુલદેવીઓમાં પણ એજ પ્રકારની સામ્યતાઓ જોવા મળે છે. 
           પાલવી રજપૂત-પાલવી દરબાર- પાલવી ઠાકોરની વસતી  મોટે ભાગે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોવા મળે છે. આજે પણ આ ક્ષત્રિયો પોતાને અસલ ક્ષત્રિય તરીકેની ઓળખાના આપ્યા વગર રહેતા નથી. પોતાનો વટ, વચન અને અન્યો માટે બલિદાનની ભાવના આ પાલવી ક્ષત્રિયોઓમાં આજે પણ અકબંધ છે. વાસ્તવમાં પરાધિનતાને પડકારી, સંગ્રામો ખેલી, ભવ્ય બલિદાનો આપી અને દરજ્જામાં ફંગોળાતી, વિભાજિત થયેલી આ રજપૂત કૂળોની આ જાતિઓની ભવ્યગાથાઓ, શૌર્યકથાઓ, સંસ્કાર, સંસ્કૃતિ અને ઇતિહાસ વિશે સમાજ અજાણ છે અને કેટલાક કહેવાતા બુદ્ધિજિવીઓ અને સંકૂચિત માનસધરાવતા ઇતિહાસકારોએ આ પ્રજાને માટે મનફાવે તેવા સંજ્ઞાવાચક નામો અને પેટાજ્ઞાતિઓમાં વિભાજિત કરવામાં મહત્વનો ભાગ ભજવેલ છે. પ્રદેશીઓના આક્રમણો તેમજ મોગલો અને બ્રીટીશ તેમજ ગાયકવાડ શાસકોએ આ શૂરવીર પ્રજા પર અત્યાચાર કરી જુલ્મો ગુજારેલ. જેના કારણે આ લડાયક અને શૂરવીર પ્રજા ના છૂટકે બહરવટે તેમજ અન્યાયકારી દમન સામે પ્રતિકાર કરેલો. વાસ્તવમાં જે તે વખતના શાસકોએ આ પ્રજાને બહરવટે ચડવા માટે પ્રોત્સાહિત કરેલા અને તેમને થયેલા અન્યાય સામે જીવંત પર્યંત ઝઝૂમેલા આ શૂરવીરો વાસ્તવમાં બહારવટીયા નહી પણ આઝાદીના શરૂઆત કરનારા મહાન શહિદો હતા. જે તે સમયના શાસકોની અન્યાય અને ભેદભાવભરી નીતિઓના કારણે આ લડાયક કોમોએ પ્રતિકાર કરેલો. તેઓ સમાજના ગરીબ અને જરૂરીયાતમંદ પરીવારોને આર્થિક રીતે સહાયરૂપ બનતા. તેઓ ગરીબ કન્યાઓને લગ્ન કરાવવા માટે દાન પણ કરતા. ક્ષત્રિય સમાજ અંગે વધુ માહીતી જાણવા તેમજ આ લડાયક અને શૂરવીર પ્રજાના ઇતિહાસ અંગે વધુ પ્રકાસ પાડવા બાબતે જો આપણે ક્ષત્રિય ઇતિહાસ  અંગે વિગતવાર તેમની વંશાવલી તેમજ ગોત્રો અને ઇતિહાસ જાણીશું તો આપણને આ પ્રજાના પોતાના ઇતિહાસની વિવિધતા સમજવામાં સરળતા રહેશે.   
            આઝાદી પૂર્વે  અનેક નાનાં મોટાં રજવાડાં, ઠકરાતો, ઠાકોરો, દરબારો, તાલુકદારો, ગિરાઅદારો રૂપે આ પ્રજા જોવા મળતી હતી. આજે પણ આ પજા યથાવત  છે પણ તેમની સત્તા કે અશ્વર્ય રહ્યાં નથી. છતાં મૂળભૂત ગુણ, સ્વભાવ, અને ખમીરની તેમજ લડાયક અને શૂરવીરતાની તેમની ઓળખાણ તો તેમના પ્રથમ પરિચયે થયા વગર રહેતી નથી. આ છે ગુજરાતના    રાજપૂતવંશી ક્ષત્રિય ઠાકોરો, રાજપૂતો, પાલવી ઠાકોરો, પાલવી દરબારો આદી…….*



રાજપૂતવંશી ઠાકોર મુળ ક્ષત્રિય સમાજનો એક ભાગ


રાજપૂતવંશી ઠાકોર મુળ ક્ષત્રિય સમાજનો એક ભાગ છે. તે ક્ષત્રિય રાજપુતની જાતિનો એક વર્ગ છે. ઉત્તર ગુજરાતમાં કેટલાક ક્ષત્રિયો પાલવી દરબાર-પાલવી ઠાકોર-જાગિરદાર, રજપુત તરીકે ઓળખાય છે.ગુજરાતમાં વસતી આ કોમ (વંશ- પરમાર, ચૌહાણ, સોલંકી, ચાવડા, રાઠોડ, મકવાણા, ઝાલા, વાઘેલા, પઢિયાર, ડાભી, જાદવ વગેરે) ઠાકોરો તરીકે ઓળખાય છે. આ કોમ તેના લડાયક મિજાજ માટે ગુજરાતભરમાં પ્રખ્યાત છે. આ ઉપરાંત કેટલાક ઠાકોરો તેમના મુળ ગામના નામથી કે તેમના સાહસિક પુર્વજોના નામ કે ફરજના હોદ્દાઓના નામથી પણ ઓળખાય છે. 

દા.ત. પાલવી દરબાર-પાલવી ઠાકોર-પાલવી રજપુત (પગી - રાજા રજવાડાઓના સમયમાં કોઇ ચોરી કે લૂંટફાટ કરીને ભાગી જાય ત્યારે તેને શોધવા માટે ખાસ તાલીમ પામેલા કે બાપદાદાઓના ચાલી આવતા રીત રીવાજ મુજબા ક્ષત્રિય જાતિની આ પ્રજા ભાગી ગયેલા ચોર લૂંટારાના પગ પગેરું શોદવામાં નિપૂણ હતા. જે સમય જતાં પગી તરીકે ઓળખાયા.) 
કે કોટવાળ (કોટવાળ - કોટ કે કિલ્લાનું રક્ષણ કરનાર ક્ષત્રિય રાજપૂતો સમય જતાં કોટવાળ તરીકે ઓળખાયા) અને સામંત વગેરે. આ તમામ સમુહો કે અટકો ધરાવતા ક્ષત્રિયો રજપૂતોની જાતિઓ છે.

આ ક્ષત્રિય સમાજ ગુજરાતમાં વિશાળ સંખ્યામાં વસે છે. ક્ષત્રિય ઠાકોર ઉત્તર ગુજરાતમાં તેના પહેરવેશ અને નામને કારણે હમેશાં ખ્યાતિમાન છે. યુવાનો કાનમાં મરચી કે ગોખરુ અથવા બુટ્ટીઓ તેમજ કેડે કંદોરા અને ખભા ઉપર ખેસ કે માથે સાફો અથવા તો પાઘડી પહેરે છે. ઉપરાંત વડીલો ઘેરદાર ધોતી અને પહેરણ પહેરે છે અને પગમાં મોજડી અથવા તો બુટ પહેરે છે. સ્ત્રીઓ ઘેરદાર ઘાઘરા અને સાડલો (સાડી) તેમજ પગમાં કડલાં, કાંબીયુ કે સાંકળા પહેરે છે. ઉપરાંત ગળામાં ટુપિયો અને અન્ય આભુષણો પહેરે છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં રહેતા જાતિના લોકો નો પહેરવેશ બોલી એક જ પ્રકારની છે. સૌરાષ્ટ્ર અને પુર્વ બાજુ આ જાતિ ઘણી જ પછાત છે. આ જાતિના લોકો પોતાની ખાનદાની અને ત્યાગની ભાવના માટે પ્રાચિન સમયથી પ્રખ્યાત છે.

ઠાકોર શબ્દનો અર્થ છે , જમીનનો માલિક, ઠાકુર, પ્રદેશનો અધિપતિ, માલિક, સ્વામી, સરદાર, નાયક, અધિષ્ઠાતા, ગામધણી, ગરાસિયો, તાલુકદાર, નાનો રાજા, લડાયક જાતિની પ્રજા,રજપુત, અને (ક્ષત્રિય) કોમની એ નામની અટક. ગુજરાતમાં હાલમાં ક્ષત્રિય તરીકે ઓળખાતા (ઠાકોર, બારૈયા, પાટણવાડીયા, ધારાળા) આ બહુવિધ ક્ષત્રિય સમુહો વિવિધ અટકો પણ ધરાવે છે. જેમ કે પરમાર, સોઢા પરમાર, સોલંકી, ચૌહાણ, ડાભી , રાઠોડ, ગોહેલ અથવા ગોહીલ, પઢિયાર, ઝાલા, મકવાણા, વાઘેલા ચાવડા, જાદવ, ભાટી વિગેરે. આ ઉપરાંત કેટલાક ઠાકોરો તેમના મુળ ગામના નામથી કે તેમના સાહસિક પુર્વજોના નામ કે ફરજના હોદ્દાઓના નામથી પણ ઓળખાય છે. દા.ત.પગી કે કોટવાળ અને સામંત વગેરે. આ તમામ સમુહો કે અટકો ધરાવતા ક્ષત્રિયો પ્રાચિન ભારતના ક્ષત્રિયો છે.

            સમાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે પછાતવર્ગના આ ક્ષત્રિયો કે જે પરદેશી અમલ શરુ થયો તે પહેલાં આ ક્ષત્રિયોના પુર્વજો નાની મોટી ઠકરાતો ધરાવતા હતા. અને બીજા કેટલાક રાજા –રજવાડાઓમાં લશ્કરમાં સૈનિક કે સેનાપતી તરીકે કામ કરતા હતા .તેમજ કેટલાક રાજાના દરબારમાં, સામંત કે જમીનદાર અથવા ઠાકુર કે ઠાકોર અને ગરાસિયા તેમજ તાલુકદાર તરીકે ફરજ બજાવતા હતા. પરદેશીઓનુ રાજ્ય વિસ્તરવા લાગ્યું તેમ તેમ રાજા રજવાડાઓ વિલિન થતા ગયા. કેટલાકે પરદેશીઓની આધીનતા સ્વીકારી. એ સમયના કેટલાક શાસકોએ આ ક્ષત્રિયોને પરાસ્ત કરીને તેઓની જમીનો, માલ મિલ્કત વિગેરે પડાવી લીધુ. અને આથી આમ આ સમગ્ર કોમ નિરાધાર થવા લાગી. ધીમે ધીમે આ લડાયક, સ્વમાની ત્યાગની ભાવના ધરાવતી કોમ ખેતીન ધન્ધા તરફ વળી. 
            રાજા રજવાડા ના લશ્કરમાં વર્ષો સુધી પોતાના પરીવારની પરવા કર્યા વિના કામ કરવાને કારણે આ કોમ પોતાને એક શૂરવીર યોદ્ધા તરીકે ઓળખાવી શકી પણ પોતાની જાતિને કે સંતાનોને સાક્ષર બનાવી શકી નહી. તેમજ વર્ષો સુધી આ કોમ એક શૂરવીર તરીકે બીજાઓના રક્ષણ માટે પોતાના બલિદાનો આપી દીધા .પણ પણ પોતાના ત્યાગની અને સમર્પણની ભાવનાને આ સમગ્ર કોમ પછાત અને અભણ રહી ગઈ . પોતાની ઓછી જમીન , સાધન સામગ્રીનો અભાવ, અજ્ઞાન, વ્યસન અને ખોટા ખર્ચાઓ તેમજ કુરીવાજોને કારણે આર્થિક તથા સામાજિક રીતે ઘસાતી ગઈ. શેઠ શાહુકારો અને જમીનદારના દેવામાં ડૂબી ગઈ. સ્વભાવે સાહસિક અને લડાયક એવી આ ક્ષત્રિય જાતિ અગાઉ પ્રતિષ્ઠા અને આદર ધરાવતી હતી .તેથી આ સમગ્ર જાતિ ઉપર આવી પડેલી કરુણ પરિસ્થિતિમાં તેમાંના કેટલાક સ્વમાની લોકો ઝનૂને ચડ્યા અને બહારવટે નિકળ્યા. પ્રામાણિક , મહેનતુ અને ખમીરવંતી આ પ્રજા ઉપર જુલમ બીન ક્ષત્રિય હોય તેવા ઇતિહાસકારો અને પોતાને મોટા દેખાવાનો આડંબર કરતા પોતાના જ બન્ધુઓએ કર્યો. મોગલ સામ્રાજ્ય તેમજ અંગ્રેજો કે બીન ક્ષત્રિય ઇતિહાસકારો એ આ સમગ્ર પ્રજાને જુદા જુદા નામ આપ્યા અને ગુલામ પણ બાનાવ્યા. કારણ કે તે વખતે આ સમગ્ર કોમ પોતાની અજ્ઞાનતાના કારણે પોતાના વંશ કે કુળને આગળ ધરી ઉંચ નીચના ભેદભાવમાં માહલતી હતી. પ્રામાણિક, મહેનતુ અને ખમીરવંતી આ પ્રજા અંગ્રેજ લેખકોએ કે બીન ક્ષત્રિય હોય તેવા ઇતિહાસકરોએ જુદા જુદા નામથી સંબોધવા લાગી. જેમાં આ ઇતિહાસકરોએ સમગ્ર કોમ ને પાલવી દરબાર પાલવી-ઠાકોર-પાલવી રજપુત, બારૈયા,પાટણવાડીયા, ધારાળા તરીકે ઉપમા આપી. આમ આ ક્ષત્રિય જાતિને ઇતિહાસકારોએ નીચી બતાવવાની ચેષ્ઠા કરી છે. જે વિષે આ સમગ્ર ક્ષત્રિય જાતિના સમુહો હજુ સુધી અજાણ છે. જેથી જુદા જુદા વિસ્તારોમાં આ સમગ્ર ક્ષત્રિય જાતિ અલગ અલગ સમુહોના નામથી ઓળખાય છે. પરંતુ વાસ્તવમાં આ સમગ્ર જાતિ એ આગળ કહી ગયા તેમ સ્વભાવે સાહસિક અને લડાયક એવી આ ક્ષત્રિય જાતિ અગાઉ પ્રતિષ્ઠા અને આદર ધરાવતી હતી. તે પોતાના સામાજીક શૈક્ષણિક અને આર્થિક પછાતપણાને કારણે વિસરી ગઈ છે.
                આ પછાતવર્ગના આ ક્ષત્રિય ઠાકોર કે પછાત ક્ષત્રિયો કે જેઓ સમગ્ર ભારતમાં ઉપર જણાવ્યા મુજબ જુદા જુદા નામોથી ઓળખાય છે અને ગુજરાતમાં આ સમગ્ર ક્ષત્રિય રજપુત જાતિ, કોઇ ઉત્તર ગુજરાતમાં ઠાકોર કે દરબાર તરીકે, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં રજપુત ,પાટણવાડીયા કે બારૈયા તરીકે ઓળખાય છે. આ બહુવિધ ક્ષત્રિય સમુહો વિવિધ અટકો પણ ધરાવે છે. જેમકે પરમાર, સોઢા પરમાર, સોલંકી, ચૌહાણ, ડાભી, રાઠોડ, પઢિયાર, ઝાલા, મકવાણા, વાઘેલા, ચાવડા વિગેરે. ઠાકોર ક્ષત્રિય પણ હોઇ શકે અને ક્ષત્રિય કે રજપુત ઠાકોર પણ હોઇ શકે.
              ક્ષત્રિયોની સાથે અન્યાય ભારતનો ઇતિહાસ મુખ્યત્વે શરુઆતમાં વિદેશી ઇતિહાસકારો કે જે , ભારત પર આક્રમણ કરવાવાળી જુદી જુદી જાતિઓના સમુહો હતા. અથવા તો તેમના દાસ કે ગુલામ હતા. જેઓએ ઇતિહાસ લખ્યો. આ ઇતિહાસકારોએ કેટલાક કથનનોનો આધાર બનાવી ને અથવા તો તેમાં જોડ તોડ કરીને ,તેમજ આપણા ઇતિહાસકારોએ પણ વસ્તુ-સ્થિતિની ઉંડાઈમાં ગયા વગર ખાસ કરીને પ્રાચિન ક્ષત્રિયો અને મધ્યકાલિન રાજપૂતો ના વિષે જે લખ્યુ છે. તે ખરેખર ભારતના તમામ ક્ષત્રિયો સાથે અન્યાય કરતા છે. આ ઇતિહાસકારો કેજેઓ કાંતો બિન ભારતીયો હતા .કે કાંતો બીન ક્ષત્રિયો હતા. તેઓએ સમગ્ર ક્ષત્રિય જાતિને જુદા જુદા સમુહોમાં વિભાજીત કરી નાખ્યા. મોંગલ સામ્રાજ્યના સમયમાં મોગલોએ ચતુરાઇ નો ઉપયોગ કરીને સૌથી પહેલાં લડાયક અને ઝનૂની એવી ક્ષત્રિય જાતિને વટલાવવા લાગ્યા. જેમાં કેટલાય ક્ષત્રિયો એ મુસ્લીમ ધર્મ અંગીકાર કર્યો .તેમજ કેટલાકે મોગલોની તાબેદારી સ્વીકારી.અને કેટલાક ક્ષત્રિયો ખંડણીયા થઈ ગયા. આમ આ રીતે ક્ષત્રિય જાતિને અલગ થલગ પાડી દીધી. કારણ કે પરદેશી આક્રમણકારો એ વાતથી વાકેફ હતા કે , ભારતમાં જો કોઇ સૌથી વધારે લડાયક અને ઝનૂની કોમ હોયતો તે ક્ષત્રિયો કે રાજપુતો છે. જે ક્ષત્રિયો મુસ્લિમ સાશકોના પ્રસંશકો હતા તે બાકીના ક્ષત્રિયોને નીચા ગણી તેમને હડધુત કરવા લાગ્યા. અને પોતાને ઉંચા ગણવા લાગ્યા. ત્યારબાદ ભારતમાં પરદેશીઓ તરીકે ગોરા લોકો (અંગ્રેજો) એ પોતાને સત્તા જમાવવા ક્ષત્રિયો કે રાજપુત રાજાઓને પોતાના તાબે કરી ક્ષત્રિયોમાં ‘ભાગલા પાડોને રાજ કરો”ની નીતિ સમગ્ર ક્ષત્રિય જાતિને વેર વિખેર કરીને ક્ષત્રિય જાતિ સામે સૌથી મોટો અન્યાય કરવામાં. અને સમગ્ર ક્ષત્રિય જાતિને અલગ અલગ નામો કે અટકોથી વિભાજીત કરી નાખ્યા. મોગલો કે અંગ્રેજોના ત્રાસથી બચવા (તેમજ પોતાના પરેવારને કે કુટુંબને ) કે બચાવા સમગ્ર મુળ નિવાસી ક્ષત્રિય જાતિએ પોતાના નામ કે અટક બદલી નાખ્યા. અને પોતાના પ્રદેશને કાયમને માટે છોડીને સ્થાળાંતર કરી ગયા. જે લોકો પરદેશીઓ કે મોગલો કે અંગ્રેજોના વફાદાર રહ્યા તે પોતાને ઉંચા કહેવરાવે છે. જ્યારે જે ક્ષત્રિયો પોતાના સ્વમાન ખાતર પોતાની મિલ્કતો છોડીને કાયમને માટે બીજે સ્થળે વસ્યા તે ક્ષત્રિયોને પરદેશી આક્રમણકારોના ગુલામો નીચી જાતિના ગણવા લાગ્યા. અને આમ જે ક્ષત્રિય જાતિ જે વિસ્તારમાંથી આવી હતી તે પ્રદેશ કે સ્થળ તેમજ પોતાના વતનના નામોથી ઓળખાવા લાગી. ખાસ કરીને અંગ્રેજોએ આ કોમને જુદા જુદા નામો આપ્યા અને સ્થાનિક શાહુકારો કે ઇતિહાસકારોએ એમાં પુરોપુરો સાથ આપ્યો. આ ક્ષત્રિય જાતિના કેટલાય લોકોએ મોગલો કે અંગ્રેજો સામે પોતાને થયેલા અન્યાય સામે યુદ્ધે ચડેલા. આમ પરદેશી આક્રમણકારોએ સમગ્ર ક્ષત્રિય જાતિને વિભાજીત કરીને ભારત ઉપર શાસન કર્યુ.

                અત્યારે સ્વતંત્ર ભારતમાં પણ આજ સિલસિલો ચાલુ રહ્યો છે. હાલમાં પણ સમગ્ર ક્ષત્રિય જાતિને (ખાસ કરીને ગુજરાતમાં રાજપૂત અને ઠાકોર કે દરબાર) અલગ અલગ કરીને વિભાજીત કરવામાં આવી રહ્યા છે. વાસ્તવમાં ઠાકોર એ પણ ક્ષત્રિય છે. અને રાજપૂત એ પણ ક્ષત્રિય છે. ક્ષત્રિય એ ઠાકોર હોઇ શકે .ક્ષત્રિય એ રજપૂત પણ હોઇ શેકે .પણ ક્ષત્રિય અન્ય ના હોઇ શકે. પહેલાં ઇતિહાસકારો રાજપૂતોને વિદેશીઓની ઓલાદ કહેતા હતા. ઇતિહાસકારો રાજપૂતોને ક્ષત્રિયો માનવા પણ તૈયાર નહોતા. અને અત્યારે આજ ઇતિહાસકારો ઠાકોરોને ક્ષત્રિય માનવા આનાકાની કરી રહ્યા છે. પણ હવે ઠાકોરો ઠાકોરો નહી પણ ક્ષત્રિય ઠાકોરો તરીકે આવી રહ્યા છે. આ ક્ષત્રિયોના પુર્વજો હજારો વર્ષોથી પોતાનો ઇતિહાસ સાચવીની બેઠા છે. આ ક્ષત્રિયો જમીનદારો હતા અને રહેશે. આ ક્ષત્રિયો સામંતો હતા અને રહેશે. આ ક્ષત્રિયો દરબારો હતા અને છે. આ ક્ષત્રિયો રજપુત છે અને રહેશે. આ ક્ષત્રિયો સાહસિક, લડાયકઝનુની, પ્રામાણિક, મહેનતુ અને ખમીરવંન્તા અને ખાનદાની છે અને કાયમ રહેશે. હવે ક્ષત્રિયો પોતાનો ઇતિહાસ પોતે લખશે.આ છે પાલવી દરબારો-પાલવી ઠાકોરો-પાલવી રજપુત, જાગિરદારો. પાટણવાડીયા, બારૈયા,ધારાલા આદી.....

                 પ્રતિષ્ઠા અને આત્મસાતતા પ્રાચિન સમયમાં વર્ણોની વચ્ચે સ્થળાંતરશીલતા હતી, જેમ જેમ લોકો નવીન કૌશલ્ય પ્રાપ્ત કરે અને પોતાની ક્રિયા તેમજ રોજગાર બદલે તેમ તે એક માંથી બીજા વર્ણમાં પ્રવિષ્ટ થતો હતો. પ્રાચિન ભારતની ખાનાબદોશ (વિચરતી) જનજાતિઓમાં સ્થાઇ જાતિપ્રથા ન હતી. તેઓ વ્યક્તિગત યોગ્યતા અને ક્ષમતા મુજબ શરૂઆતી ભૂમિકા ભજવતા હતા. આ ક્રમમાં જનજાતિને ટકાવી રાખવી તેજ મુખ્ય જરૂરીયાત રહેતી. જનજાતિનાં શક્તિશાળી લોકો યોદ્ધાઓ બનતા હતા અને સમાજમાં ઉચ્ચ દરજ્જો પ્રાપ્ત કરતા, કારણકે તે સમયમાં જનજાતિનાં બચાવ માટે તેઓ વધુ મહત્વનાં હતા. જ્યારે જનજાતિઓ ખેતિકામથી વધુ પરીચિત થતી ગઇ તેમ વધુ સમૃદ્ધ અને સ્થિર થઇ. આ બેઠાડું અને નિરાંતની જીવનશૈલીમાં લોકોનું લક્ષ સમૃદ્ધિપ્રાપ્તી અને જીવનનો અર્થ શોધવો તે તરફ વધુ વળ્યું. હવે પૂજારીવર્ગ સમાજમાં આગળપડતો ગણાવા લાગ્યો, કારણકે તેઓ આધ્યાત્મિક મુક્તિની ખાત્રી આપનાર હતા. આણે સમાજ માટે વધુ કઠોર સામાજીક વ્યવસ્થા રચવાનું નેતૃત્વ કર્યું, જ્યાં વ્યક્તિની સ્થિતિ તેની ક્ષમતા કરતાં વધુ તેના જન્મ દ્વારા નક્કિ થતી હતી. તે પછી, જેઓ વધુ શક્તિશાળી વર્ગોમાં હતાં તેમણે આ વર્ણવ્યવસ્થાને વધુ શક્તિશાળી બનાવી.

ઘણા ઔતિહાસિક રાજકર્તાઓ અન્ય વર્ણમાંથી આવેલા છે, અથવા અહિન્દુ વિદેશી આક્રમણકારોમાંથી ઉતરી આવેલા છે, અને તેમને કાંતો ક્ષત્રિય મોભો પ્રદાન કરાયો અથવા તેઓએ પોતાને ભૂતકાલીન ક્ષત્રિય રાજ્યકર્તાઓ સાથે જોડતા કાલ્પનિક કૌટુંબિક ઇતિહાસો બનાવ્યા. ઉદાહરણ તરીકે, શક, યવન, કમ્બોજ, પહેલવિ, પરદા વગેરે, જેઓ ઉત્તરપશ્ચિમિ વિદેશી આક્રાંતાઓ હતાપરંતુ તેઓ ભારતીય સમાજમાં ક્ષત્રિયો તરીકે ભળી ગયા.
(સંદર્ભ : વિકિપીડીયા )



આપણી વંશ પરંપરાઓ પ્રમાણે આપણા પૂર્વજોને માન આપવુંતેમની મર્યાદાનુસાર આચરણ કરવું અને
તેમણે બતાવેલા માર્ગ પર ચાલવું  આપણો નૈતિક ધર્મ છે. ”

વધુ અગામી પોસ્ટ માં : ક્ષત્રિય ઇતિહાસક્ષત્રિય વંશક્ષત્રિય અટકોક્ષત્રિય રાજપૂત, ક્ષત્રિય ઠાકોર, દરબાર

More in Next Post : Kshatriya History, Kshatriya Dynasty, Kshatriya Surnames, Kshatriya Rajput, Kshatriya Thakor, Darbar

જય માઁ ભવાની.. જય ક્ષાત્રધર્મ..

લેખન અને સંકલન : શ્રી દિવ્યનિમેષસિંહ રાઠોડ (અમદાવાદગુજરાત)
Writing and Editing : Shri Divyanimeshsinh Rathore (Ahmedabad, Gujarat)

Popular posts from this blog

છત્રીસ રાજપૂતવંશી ક્ષત્રિયકૂળ માંથી અલગ થયેલી વર્તમાન શાખાઓ : - (ભાગ-૧)

આપણે અને ઇતિહાસ (ગુજરાત ક્ષત્રિય સમાજ)